રાજકોટ:સૌરાષ્ટ્ર-ગુજરાતના લેઉવા પટેલ સમાજના આંગણે રૂડો અવસર આવ્યો છે. મંગળવારે રાજકોટના રેસકોર્સથી મા ખોડલની મુખ્ય મૂર્તિ લઈને લેઉવા પટેલ સમાજના શ્રધ્ધાળુઓ કાગવડ પ્રસ્થાન કરશે. લાખો લોકોમાં હરખની હેલી છે. સોસાયટીઓમાં આનંદ ઉમંગ અને ઉત્સાહનો માહોલ છે. મંગળવારની સવારે સૌરાષ્ટ્રના શહેરો અને ગામડાંના રસ્તાઓ ખોડલધામ તરફ ફંટાઈ જશે. રાજકોટથી સવારે 7 કલાકે મુખ્ય રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે. રાજકોટથી છેક કાગવડ સુધી 65 કિલોમિટરના રસ્તા પર યુવાનો, યુવતીઓ મહિલાઓ અને પુરુષો તેમજ અબાલ-વૃધ્ધ સૌ કોઈ માનવ સાંકળ રચી દેશે. જ્યાં-જ્યાંથી પણ ખોડિયાર માતાજીની મુખ્યમૂર્તિ સાથેનો રથ પસાર થશે ત્યાં માનવ સાંકળ રચીને માતાજીની મૂર્તિના આગમનની રાહ જોઈને ઊભેલા લેઉવા પટેલ સમાજના શ્રધ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાતા જશે.

છેલ્લા છ વર્ષથી ખોડલધામ મંદિર બનાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી
આમ 65 કિલોમિટરની લાંબી માનવ સાંકળ પણ જોવા મળશે.છેલ્લા છ વર્ષથી ખોડલધામ મંદિર બનાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. જે હવે પૂર્ણ થઈ ગઈ છે. માત્ર લેઉવા પટેલ સમાજ જ નહીં સૌરાષ્ટ્ર-ગુજરાતના વસતા ગુજરાતીઓ માટે મંગળવારનો દિવસ ભાગ્યશાળી દિવસ ગણાશે. એમ કહી શકાય કે, મંગળવારે સોનાનો સૂરજ ઊગવાનો છે. લોકોના હૈયે હરખની હેલી છે. સૌ કોઈને બસ જવું છે તો માતાજીના જ્યાં બેસણાં થવાના છે ત્યાં જઈને માથુ ટેકવવાની સૌને અદમ્ય ઈચ્છા છે.વર્ષોથી શ્રધ્ધાળુઅોએ જે સ્વપ્ન સેવ્યું હતું તે હવે પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે. મંગળવારે કાગવડ સુધીનો માર્ગ જય મા ખોડલના નાદથી ગુંજી ઊઠશે.
સાંજ પછી કાર્યક્રમ નહીં
ખોડલધામ મંદિરે પાંચ દિવસ સુધી અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તમામ કાર્યક્રમો સાંજના 6 સુધીમાં પૂરા કરી લેવામાં આવશે. લોકડાયરો પણ બપોરના સમયે રાખવામાં આવ્યો છે. કાર્યક્રમનું સ્થળ અને સુરક્ષાની દૃષ્ટિને નજર સમક્ષ રાખીને સાંજના 6 વાગ્યા બાદ કોઈપણ કાર્યક્રમ કરવામાં આવશે નહીં. સુરક્ષામાં રખાયેલા સ્વયંસેવકો અને અન્ય આગેવાનો જ રાત્રિ દરમિયાન ખોડલધામ સંકુલમાં રહેશે.
હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા
21 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો છે. પાંચ દિવસ દરમિયાન 50 લાખથી વધુ શ્રધ્ધાળુઓ ખોડિયાર માતાજીના દર્શને આવે તેવી સંભાવના છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના દિવસે શાસ્ત્રોક્ત વિધિથી માતાજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી રહી હશે ત્યારે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવશે. આ માટે કેટલાક હેલિકોપ્ટર પણ ભાડેથી રાખવામાં આવ્યા છે. આ કાર્યક્રમનું પણ ટેસ્ટીગ કરી લેવામાં આવ્યું છે.
રાજકોટથી જેતપુર વન-વે
રાજકોટના રેસકોર્સથી કિસાનપરા, મહિલા કોલેજ અન્ડરબ્રિજથી કેકેવી ચોક થઈ ગોંડલ રોડ ચોકડી સુધીનો ડાબી બાજુનો રોડ શોભાયાત્રા માટે રખાયો છે. જ્યારે જમણી બાજુના રોડ પર બન્ને બાજુથી વાહનોની અવર-જવર થઈ શકશે. તેવી જ રીતે ગોંડલ રોડ ચોકડીથી છેક જેતપુર સુધી ડાબી બાજુનો હાઈ-વે શોભાયાત્રા માટે રહેશે. અને જમણીબાજુના રોડ પર વાહનો અવર-જવર કરી શકશે. રાજકોટની કેટલીક સિટી બસના રૂટ ડાયવર્ટ કરાશે અને બીઆરટીએસની બસો દોઢેક કલાક મવડી ચોકડીએ હોલ્ટ રહેશે.

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સાથે આટલા વિક્રમ સર્જાશે

1- ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ
20 હજારથી વધુ બાઇક, 11000થી વધુ કાર, 500થી વધુ મોટા વાહનો, 100 ફ્લોટ્સ
2- ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ અને એશિયા બુક ઓફ રેકોર્ડસ
દોઢ વર્ષમાં 435 તાલુકાના 3521 ગામોમાં ખોડલરથનું સવાલાખ કિ.મી.નું પરિભ્રમણ
3- ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ અને એશિયા બૂક ઓફ રેકોર્ડસ
1008 યજ્ઞ કુંડ જેમાં એક સમાજના લોકો યજ્ઞમાં બેસશે.
4- ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ
તા.21ના રોજ એક સાથે 3.50 લાખ લોકો રાષ્ટ્રગીતનું ગાન કરશે.