ખોડલધામ: રાજકોટ જિલ્લાના જેતપુર પાસેના કાગવડ ખાતે લેઉવા પટેલના કુળદેવી એવા મા ખોડલના મંદિરનું 60 કરોડના ખર્ચે નિર્માણ કરાયું છે. આ મંદિરને ભારતીય પરંપરાની સોમપુરા શૈલીમાં બનાવાયું છે. 10 રેક્ટર સ્કેલનો ભૂકંપ આવે તો પણ આ મંદિરને કંઈ ન થાય તેવી રીતે બનાવાયું છે. મંદિરના નિર્માણમાં 2.30 લાખ ઘનફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે તેની લંબાઈ 252 ફૂટ, પહોળાઈ 298 ફૂટ અને ઊંચાઈ 159 ફૂટ છે.

જમીનની 17 ફૂટ ઊંડે મંદિરનું ફાઉન્ડેશન
ખોડલધામ મંદિરનું નિર્માણ કરનાર આર્કિટેક વિપુલ ત્રિવેદી જણાવે છે કે, મંદિરનું ફાઉન્ડેશન જમીનથી 17 ફૂટ ઊંડે છે. જ્યારે જમીનથી 18 ફૂટની ઊંચાઈ પર પહેલો અને 6.5 ફૂટની ઊંચાઈએ બીજો ભાગ તૈયાર કરવામાં આવ્યો છે.  મંદિરમાં પહેલા પિલ્લર ત્યારબાદ બીમ મૂકવામાં આવ્યા છે. મંદિરમાં નીચેના ભાગે 160 બીમ આડા અને પહેલા ભાગે 128 મળી કુલ 288 બીમ પિલ્લર પર મુકાયા છે.  મંદિરની બહારના ભાગે 650 કંડારેલી મૂર્તિઓ મૂકવામાં આવી છે. ભારતીય સ્થાપત્ય શૈલીના આ મંદિરનું બાંધકામ શાસ્ત્રો, વાસ્તુ શાસ્ત્ર, પ્રાચીન સ્થાપત્ય પદ્ધતિ એવી સોમપુરા શૈલી પ્રમાણે કરવામાં આવ્યું છે.
17મીથી ખોડલધામના કાર્યક્રમ
– 17 જાન્યુઆરી શોભાયાત્રા, રંગારંગ કાર્યક્રમ, પુસ્તક વિમોચન, દાતાઓનું સન્માન
– 18 જાન્યુઆરી, 21 કૂંડનો મુખ્ય હવન પ્રારંભ, સાંસ્કૃતિક કાર્યક્રમ, લોકડાયરો
– 19 જાન્યુઆરી, હવન, રાસમંડળની રમઝટ
–  20 જાન્યુઅારી, હવન, કસુંબીનો રંગ જામશે
–  21 જાન્યુ., પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજા આરોહણ, કળશ અનાવરણ, ધર્મસભા, મંદિર ખુલ્લું મુકાશે.
પૌરાણિક શૈલીના મંદિરો હજારો વર્ષો અડિખમ રહે છે
ભારતીય સ્થાપત્યની પૌરાણિક મેલ-ફિમેલ પધ્ધતિથી પામેલા હજાર કે તેનાથી પણ વધારે વર્ષો જૂના મંદિરો અનેક પ્રકારની કુદરતી આપત્તિમાં પણ હેમખેમ ઊભા રહ્યા છે. ખોડલધામ પણ આ જ રીતે  બનાવાયુ્ં છે. તેથી સદીઓ સુધી આ મંદિરને કંઈ થશે નહીં અને કુદરતના ખોળે અડીખમ ઊભું રહેશે.
મંદિરનું નિર્માણ 3 લેવલ પર
1) જગતી લેવલ:મંદિરની શરૂઆતમાં નીચેની કક્ષાએ એટલે કે જગતી લેવલે પટેલ સમાજના ઇતિહાસની કોતરણી કરવામાં આવી છે. જેમાં પટેલ સમાજની ઉત્પતિ અને હાલની પરિસ્થિતિ સહિતનો ઇતિહાસ કોતરણીમાં દર્શાવવામાં આવ્યો છે. 2) કણપીઠ લેવલ:મંદિરના 18 પગથિયાઓ ચઢ્યા બાદ કણપીઠ લેવલ પર મહાભારત, ભાગવત ગીતા, શિવપુરાણ અને કૃષ્ણ ચરિત્રને શિલ્પકામથી કંડારવામાં આવ્યા છે. 3) મંડોવર લેવલ:કણપીઠથી ઉપરની કક્ષાએ શિવ-પાર્વતી, વિષ્ણુ, બ્રહ્મા સહિતની અલગ અલગ મૂર્તિઓ રાખવામાં આવી છે. મંદિર પરિસરની પણ ડિઝાઇન એ પ્રકારની રાખવામાં આવી છે કે ગમે તે ખૂણામાંથી પણ માતાજીની પ્રતિમાના દર્શન થઇ શકે છે.
ઈન્ટરલોકિંગ સિસ્ટમથી બાંધકામ
આધુનિક બાંધકામ માટે ચણતર પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે મંદિર કે અન્ય કોઈ ઐતિહાસિક ભવનોના નિર્માણ માટે ઈન્ટરલોક સિસ્ટમનો ઉપયોગ કરીને નિર્માણ કરાય છે. સદીઓ પહેલા બે પથ્થરને ઈન્ટરલોકિંગ કરીને એકબીજામાં ફીટ કરવામાં આવતાં હતા. જગ્સો પઝલમાં જેમ સામસામા બે છેડા એકબીજામાં ફીટ થઈ જાય છે તેવી જ રીતે મંદિર કે આવા ભવનોના નિર્માણમાં બે પથ્થરને લોક કરવામાં આવે છે. સોમનાથની તર્જ પર બનેલા ખોડલધામ મંદિરનું નિર્માણ પણ ઈન્ટરલોક સિસ્ટમથી કરવામાં આવ્યું છે.