૧૭મીથી શરુ થયેલા ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠાના પંચામૃત સમાન પાંચ દિવસીય મહોત્સવના અંતિમ દિવસ શનિવાર, તા. ર૧ની સવારે માં ખોડિયાર સહિત ર૧ ર્મૂતિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. બાદ પ્રથમ મંગળા આરતી શંખ, જાલર, શરણાઈ, નોબતના નાદ સાથે શરું થતા દિવસનો પ્રથમ પ્રહર ધર્મમય બની ગયો હતો. સૂર્યનું પ્રથમ કિરણ પૃથ્વીને સ્પર્શ કર્યો ન હતો ત્યાં ર૧ પંડિતો દ્વારા ર૧ર૧ દીવડાની મહા આરતી મંદિરના કક્ષાસન પાસે થઈ હતી. પ : ૧પથી ૬ : ૧પ વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ થયા બાદ ૬ : ૩૦ વાગ્યે કળશનું અનાવરણ થયું હતું. ૬ : ૩પ વાગ્યે મંદિરના શિખરની ટોચે ખોડલધામની બાવન ગજની પ્રથમ ધજા ફરકી ઉઠી હતી. ત્રિશુલના ચિન્હ સાથેની લાલ ધજા કેસરી આકાશમાં અનેરી આભા ઉપસાવતી હતી.

અને અરીસો તૂટયો
મંદિરમાં દેવી-દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ બાદ શાસ્ત્રી કૌશિકભાઈ ત્રિવેદીએ માં ખોડિયારના મુખ સમક્ષ અરીસો ધરી, મુખ્ય યજમાન નરેશભાઈની છાતીએ લગાડતાં જ અરીસો તૂટી ગયો હતો. વાયકા પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા બાદ ર્મૂતિમાં ચૈતન્ય આવ્યું કે નહીં, તેનું પ્રમાણ પૂજારી અને યજમાન ર્મૂતિ પાસે માંગે છે. આ માટે ભગવાનની ર્મૂતિની સામે અરીસો ધરવામાં આવે છે. જો અરીસો તૂટી જાય તો ર્મૂતિમાં પ્રાણનો સંચાર થયો હોવાનું માનવામાં આવે છે. ખોડલધામ મંદિરમાં માતાજીની સામે ધર્યા બાદ અરીસો તૂટી ગયો હતો.

ચૈતન્ય પાઠનું પઠન કરીને ર્મૂતિઓમાં પ્રાણાંશ પૂરાયો
પ્રધાન શાસ્ત્રી કૌશિકભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે મંદિરમાં ર્મૂતિ પધરાવાયા બાદ તેમાં ચૈતન્ય હોવું જરૃરી છે. ચૈતન્ય પાઠનું પઠન કરીને ર્મૂતિમાં પ્રાણાંશ પૂરવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ એ જ પૂર્ણ ઉત્સવ છે. મંદિર એ દેવ પુરુષ છે. મંદિરની માનવ શરીર સાથે કલ્પના કરવામાં આવી છે. મંદિરના પિલર એ ઘૂંટણ છે, ગર્ભગ્રૃહ એ પેટનો ભાગ છે, બાજુના ઝરૃખા એ કાન છે, ઘંટ એ અવાજ છે, દીપ એ પ્રાણ છે, શિખર એ મસ્તક અને ધજા એ કેશ છે. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ બાદ ર્મૂતિમાં ચૈતન્ય આવતા તે સુખદાયી બની જાય છે.